Monday 26 December 2022

જ્યારે ભારતને સતાવે છે: “યુરેનિયમ ક્રાઇસિસ”

 

જેમ રેડીયોધર્મી પદાર્થોનું સતત વિખંડન થતું રહે છે તેમ, પરમાણુ શસ્ત્રો અને પરમાણુ ઉર્જા લક્ષી સમાચાર, વર્તમાનપત્રોમાં સતત છપાતા રહે છે. સૌપ્રથમ પાકિસ્તાન ની વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાન પાકિસ્તાનના ગુપ્ત પરમાણુ રહસ્ય વેચવા બદલ છાપાઓમાં છવાઈ ગયા હતા. આજકાલ આંતરરાષ્ટ્રીય સમાચારોમાં પાકિસ્તાન ફરી વાર ચમકી રહ્યું છે. પાકિસ્તાન સરકારે ચીન પાસેથી પરમાણુ રિએક્ટર અને તેને લગતી ટેક્નોલોજી મેળવવા માટે ચીન સાથે વાટાઘાટો શરૂ કરી છે. પાકિસ્તાન ચીન પાસેથી ૬ પરમાણુ રિએક્ટર ખરીદવા માગે છે. વિશ્વની પોલીસની ભૂમિકા ભજવવા અમેરિકાને વિશ્વનો કોઈ દેશ પરમાણુ ઊર્જા ક્ષેત્રે પગભર થાય તે પસંદ નથી. બાજપાઈની સરકાર હતી ત્યારે ભારતે કરેલા બીજા પરમાણુ ધડાકાના પગલે અમેરિકાએ ભારત ઉપર કેટલાક આર્થિક અને ટેકનોલોજીકલ પ્રતિબંધ લાદી દીધા હતા.  હાલમાં ઈરાન અને દક્ષિણ કોરિયા અમેરિકાની આંખમાં ખૂંચી રહ્યા છે કારણ કે તેઓ પરમાણુ મથકો ના વિકાસ સાધી પરમાણુ સત્તા બનવા તરફ આગળ જઈ રહ્યા છે. સીઆઈએ નામની જાસૂસી સંસ્થા, ઇરાન ઉપર ચાર આંખ કરીને જાસૂસી કરી રહી છે. 

તાજેતરમાં સીઆઈએના વડા પોર્ટર ગોસે તુર્કી દેશની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ઈરાન ઉપર હવાઇ હુમલા કરવા પડે તો તુર્કીના એરબેઝ નો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ તેમણે રાખ્યો હતો. આ ઉપરાંત આ એરબેઝની સવલતો પણ તેમણે ચકાસી હતી. ઈરાન તેમના પરમાણુ કાર્યક્રમમાં આગળ વધવા મક્કમ લાગે છે. આ મુદ્દે તે અમેરિકાની ‘એસી કી તૈસી’ કરવા માગે છે. એક જર્મન અખબારે અહેવાલ છાપ્યા હતા. અમેરિકા ઈરાનને પરમાણું કાર્યક્રમમાં આગળ વધતું રોકવા, ઈરાનની પરમાણુ સુવિધાઓ ઉપર હવાઈ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. 

અમેરિકાને  સાથ આપવા તેણે નાટો સંધીથી જોડાએલા દેશોને હવાઈ હુમલામાં સામેલ થવા, તૈયાર રહેવા જણાવ્યું છે. આવા પરમાણું શસ્ત્રોનાં બગડેલ માહોલમાં પાકિસ્તાન નવા છ પરમાણું રીએકટર ખરીદવાની વાત કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ બાબતનાં ગંભીર પ્રત્યાઘાત પડી રહ્યાં છે. ચીન-પાકિસ્તાન વચ્ચેની પરમાણું સંધીને લઈ અમેરિકાએ ચેતવણી ઉપચારી છે. ભારત પણ પાકિસ્તાનની પરમાણું ‘રીએકટર ખરીદવાની’ હરકતને ગંભીરતાથી લઈ રહ્યું છે. પરમાણું ઊર્જામાંથી વિજળી પેદા કરવા અને તેમાં શાંતિપ્રિય ઉપયોગ કરવાનું ગાણું દરેક દેશ ગાતો હોય છે. પરમાણુ સુવિધાઓનાં શાંતિપ્રિય ઉપયોગ, ઉર્જા મેળવવાને બદલે પરમાણુ શસ્ત્રો બનાવીવિશ્વશાંતિનો ભંગ કરવા માટે પણ થઇ શકે છે. પાકિસ્તાને જેમ પરમાણૂ રહસ્યો લીબીયા, ઇરાન, કોરીયા વગેરે દેશો સુધી પહોંચવા દીધા છે તેમ, નવા પરમાણૂ રીએકટરની સુવિધાઓ પ્રાપ્ત કરી, પરમાણું શસ્ત્રો માટે જરૂરી યુરેનિયમ તેમજ અન્ય પદાર્થ પર તે,  લીબીયા, ઇરાન, કોરીયા જેવાં દેશોમાં પહોંચતો કરી શકે છે. સંવર્ધીત યુરેનિયમનો ઉપયોગ તે પોતાના માટે પરમાણુ બોમ્બ બનાવવા માટે પણ કરી શકે. આ માહોલમાં આપણે વિચારવું જોઈએ કે “ભારત હાલમાં ક્યાં ઉભું છે ?’’ પરમાણુ શક્તિનો લશ્કરી ઉપયોગ કરવાની પહેલ, ભારત ન કરે તો પણ દેશનાં વિકાસમાં પરમાણુ ઉર્જાનો શાંતિપ્રિય ઉપયોગ કરવામાં કોઇ અડચણ નથી ને? 

હાલના તબક્કે ભારતના પરમાણુ પાવર પ્રોગ્રામને  આંશિક ગ્રહણ લાગી રહ્યું છે.  ભારત “યુરેનિયમ ક્રાઇસિસ”માંથી પસાર થઈ રહ્યું છે. અત્યારે ભારતમાં ૧૩ જેટલા પ્રેસરાઈઝડ હેવી વોટર રિએક્ટર,  કુદરત માંથી મળી આવતા યુરેનિયમ નો ઉપયોગ કરી ઊર્જા પેદા કરે છે. ભૂમિ માંથી  મળતો યુરેનિયમનો જથ્થો  દિન-બ-દિન ઘટી રહ્યો છે. બળતણ તરીકે ઉપયોગમાં લેવાતા  યુરેનિયમનો જથ્થો ઓછો થતાં, પ્રેસરાઈઝડ હેવી વોટર રિએક્ટરની  ક્ષમતા ઘટી રહી છે. આ તેર રિએક્ટરમાં વર્ષે દાડે ૩૦૦ ટન જેટલો યલો કેક તરીકે ઓળખાતો યુરેનિયમ પદાર્થ જોઈએ છે.  જેની સામે યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ વર્ષે દહાડે માત્ર  220 ટન ઉત્પાદન કરી શકે છે.  અહીં 80 ટન નો ચોખ્ખો તફાવત નજરે પડે છે.  આ ખોટ સરભર કરવા અને માંગને પહોંચી વળવા માટે ભારતીય વૈજ્ઞાનિકોનો નવો જથ્થો શોધવા મથી રહ્યા છે. કુદરતી અવસ્થામાં યુરેનિયમનો નવીન જથ્થો આધ્રપ્રદેશ અને મેઘાલયમાંથી મળી આવ્યો હોવા છતાં, ત્યાંની રાજ્ય સરકારનાં ઉદાસીન વલણ,  સ્થાનિક લોકોનાં વિરોધ અને રાજકારણનાં દાવપેચનાં કારણે,  પરમાણુ ઊર્જાના ઉપયોગ માટે ઉપલબ્ધ થઇ શકતો નથી. હાલની અછત અને ભવિષ્યની માંગને નજરમાં રાખી ભારત સરકારે નવો એકશન પ્લાન મુકવાનો સમય આવી ગયો છે. 

જો યુરેનિયમનો ‘શોર્ટ સપ્લાય' ચાલુ રહેતો ભારતનાં ‘પરમાણું પાવર પ્રોગ્રામ' માટે ગંભીર સમસ્યા પેદા થઇ શકે તેમ છે. આ સમસ્યાનાં ઉકેલ તરીકે ભારતે પરદેશથી યુરેનિયમ આયાત કરવું પડે. ભારત ત્યારે જ યુરેનિયમની આયાત કરી શકે, જો 44 સભ્યોનાં બનેલ ન્યુકલીઅર સપ્લાય ગ્રુપ (NSG) તેમની ગાઇડલાઇન્સને થોડી હળવી કરે. જેની સામે ભારતે ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીનાં ધારાધોરણ અને નિતી નિયમોનું પાલન કરવું પડે. પરમાણું ઉપયોગની નાગરીક સુવિધાઓ અને મિલીટરી સુવિધાઓને અલગ પાડવી પડે. બંને પ્રકારની પરમાણુ સુવિધાઓને આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ નીચે મુકવાની ફરજ પડે. કદાચ આ માટે ભારત  તૈયાર નથી. ‘યે અંદર કી બાત હૈ’ . કોઈપણ દેશ પરમાણું ઉર્જા ક્ષેત્રે બહારનાં દેશોની દખલ અંદાજી પસંદ ન જ કરે. 

જોકે એટમિક એનર્જી કમિશનનાં ચેરમેન અને ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જીનાં સેક્રેટરી ડૉ. અનિલ કાકોદકરે એક ઇન્ટરવ્યુ આપતાં કહ્યું હતું કે, ‘‘જો મને આયાત કરેલું યુરેનિયમ ભરપુર માત્રામાંથી બહારથી મળી રહે તો, આપણે આપણી ટેકનોલોજી વાપરી PHWRS બાંધી શકીએ. તમે આ પરમાણું ઉર્જાની ક્ષમતા 10,000 MWe જેટલી આંકી શકો, આ વધારાની ક્ષમતા ત્યારે જ જળવાઈ રહે, જો આયાતી જથ્થો સમયસર સહેલાઇથી મળી રહે. આ માટે ભારતીય પરમાણુ સુવિધાને આંતરરાષ્ટ્રીય ‘‘સેફગાર્ડ’’ નીચે મુકી શકાય. વાત સાચી છે. મહત્ત્વનો મુદ્દો એ છેકે “યુરેનિયમનો જરૂરી જથ્થો નિયમીત મળતો રહેવો જોઈએ.” આ વાત ક્યારેય શક્ય નથી. કારણ કે વિશ્વ રાજકારણની શતરંજનાં મહોરા, રાજકીય ઘટનાઓ અનુસાર ચાલતા હોય ત્યારે,  બાજી ક્યારે પલટાઈ જાય તે કહેવાય નહીં. અમેરિકાની માફિયાગીરી સામે ભારતને યુરેનિયમનો જરૂરી જથ્થો અવિરતપણે મળે રાખે તેમ માનવું ભુલ ભરેલું છે. જ્યારે ભારતની ભૂમીમાંથી સસ્તુ યુરેનિયમ મળતું હોય તો, વિદેશી મોંધા યુરેનિયમનો મોહ ન રખાય. ભારતનાં ‘PHWRs,  2002-03માં 90% વર્લ્ડ કલાસ ક્ષમતાથી દોડતા હતાં. 2003-04 માં તેમાં 9% ઘટાડો થઈ 81%એ પહોચ્યા હતાં. 2004-05માં PHWRs 76%ની ક્ષમતાથી ચાલ્યા હતાં. આ ધોરણે અંદાજ માંડીએ તો ચાલુ વર્ષ 2005-06માં 70% ક્ષમતાથી PHWRs ઉર્જા પેદા કરી રહ્યું હોવું જોઈએ. 

ભારતનાં ‘‘વિઝન 2020" પ્રમાણે પરમાણું પાવરનાં ઉત્પાદનનો લક્ષ્યાંક 2020 સુધીમાં 20,000 MWe સુધી લઇ જવાનો છે. હાલમાં આપણાં સ્વદેશી રીએકટરો 10,000 MWe નો લક્ષ્યાંક મેળવવા કાર્યરત છે. રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં ભારતનાં આઠ પરમાણુ રીએકટર બંધાઇ રહ્યા જેમાંનાં પાંચને યુરેનિયમનો અવિરત જથ્થો મળતો રહે એ જરૂરી છે. 300 MWeની કેપેસીટીવાળું થોરીઅમ સંચાલીત એડવાન્સ હેવી વોટર રીએકટરનું બાંધકામ આવતા વર્ષે શરૂ થશે. કેન્દ્ર સરકાર 700 MWeની ક્ષમતાવાળા ચાર PHWRs ગુજરાત અને રાજસ્થાનમાં બાંધવાની મંજુરી આપી ચુક્યું છે. ભવિષ્યની આ બધી યોજનાઓને સાકાર કરવાં ‘‘યુરેનિયમ’’ની અંત્યંત આવશ્યકતા છે. આ યોજનાઓને યુરેનિયમ પુરૂ પાડવા ભારતનાં વિવિધ સ્થળોએ યુરેનિયમ તેમજ અન્ય કિમતી ધાતુઓ શોધવાનો પ્રયત્નો થઇ રહ્યા છે. આ તબક્કે ભવિષ્ય ઉજ્જવળ કરવા પણ આંધ્રપ્રદેશ અને મેઘાલયમાં મળી આવેલ સંભવિત યુરેનિયમ ક્ષેત્રોમાંથી કાચી ખનીજ ધાતુ ખોદી કાઢવી જરૂરી છે.

 

ભારતના વિવિધ રાજ્યો માંથી મળી આવતા યુરેનિયમના જથ્થાને કાઢવાનું કામ યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા કરે છે.  નવા મળી આવેલ ક્ષેત્રમાંથી યુરેનિયમ ખોદી કાઢવાની પ્રપોઝલ ucil  જે તે રાજ્ય,  કેન્દ્ર સરકાર ને મોકલે છે.  આરાધના પ્રદૂષણ નિવારણ બોર્ડનું  “નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ”,  તેમજ સ્થાનિક પર્યાવરણ અને જંગલ ખાતાની મંજૂરી સાથે રાજ્ય સરકારનું  નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ,  મળે તો જ UCIL યુરેનિયમ ખોદવાની ખાણ શરૂ કરી શકે છે. હાલમાં આધ્રપ્રદેશ અને મેઘાલયએ યુરેનિયમ ખોદી કાઢવાની પ્રપોઝલ UCILને મોકલી હોવા છતાં, ત્યાંની રાજ્ય સરકારનું વલણ ઠંડું છે.UCILને NOC મળતુ ન હોવાથી યુરેનિયમ ઉલેચાવાનું કામ થઈ શકે તેમ નથી. યુરેનિમયથી સમૃદ્ધ ક્ષેત્રોની ભાળ મેળવવાનું કામ એટમિક મિનરલ્સ ડીરેક્ટોરેટ ફોર એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ (AMD) કરે છે, જે ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી (DAE)ની જ એક શાખા છે. આ શાખાનાં ભૂસ્તશાસ્ત્રીઓ પરમાણુ કાર્યક્રમ માટે જરૂરી ખનીજ જેવા કે યુરેનિયમ, થોરીયમ, નિયોલીયમ,ઇડીયમ, ઝીન્ક્રોનિયમ,ટાયટનીયમ, બેરીલીયમ અને લીથીયમનો જથ્થો ધરાવતાં ભૌગોલીક સ્થાનો શોષી કાઢે છે. મેધાલયનાં પશ્ચિમ ખાસી વિસ્તાર અને સાયપ્રદેશનાં નાલગોડાં જીલ્લાના લામ્બાપુર ક્ષેત્રમાં યુરેનિયમનો સંભવિત જથ્થો શોધી કાઢ્યો છે. 2000ની સાલમાં આ લીસ્ટમાં પેડાગત્તીનાં કેટલાક વિસ્તારનો સમાવેશ થશે. જે લામ્બાપુરથી થોડોક કી.મી. દુર આવેલ છે. AMD યુરેનિયમનાં બીજી વિસ્તારો શોધવાં ખુબ જ આતુર છે. મેધાલયનાં કેટલાંક ક્ષેત્રો વિશે AMD આશાવાદી છે.UCIL હાલના તબક્કે AMDએ સુચવેલ સ્થળોએથી યુરેનિયમ ખોદી કાઢી શકતું નથી. કારણ કે રાજ્ય સરકાર તરફથી તેમને લીલી  ઝંડી મળી નથી. આ ઉપરાંત સ્થાનિક આદિવાસી પ્રજા અને કેટલાક ઉગ્રવાદી સંગઠન તેમના ક્ષેત્રમાંથી યુરેનિયમ ખોદી કાઢવા સામે વિરોધ અને હિંસા આચરવાની ધમકી આપી રહ્યા છે.

  કેટલીક સ્વૈચ્છીક સંસ્થાઓ (NGD) ‘‘પરમાણું પદાર્થથી નિકળતાં વિકીરણથી માનવીને થતી અસરોની વિડીયો’’ બતાવી સ્થાનિક લોકો, ભોળી આદીવાસી પ્રજાને ભરમાવી રહી છે. શિક્ષિત લોકોને આ NGO કુદરતી સંપત્તિને થતું નુકશાન થાય છે એમ બતાવીને રાજકીય મકસદ સિદ્ધ કરી રહ્યા છે. સરવાળે ખોટ તો ભારતનાં નાગરીકને જ ભોગવવાની આવશે. પરમાણું ઉર્જાની મદદથી વિદ્યુત પેદા કરવાનું આપણું લક્ષ્યાંક સિદ્ધ નહી થાય તો, વેપાર, વાણીજ્ય અને ઉદ્યોગ ધંધા ઉપર તેની પરોક્ષ અસર પડવાની શક્યતા છે જ. પરમાણું ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર થવામાં પોતાનાં જ હિતો પગ પર, લોકો જાતે જ કુહાડો મારી રહ્યો છે. 

વાચકોને પણ ઘણીવાર પ્રશ્નો થતા હોય છે કે  “યુરેનિયમનાં સંભવિત જથ્થાને કંઈ રીતે શોધવામાં આવે છે? AMDનાં ભુસ્તશાસ્ત્રીઓ કેવી રીતે પરમાણું ઊર્જા માટે જરૂરી પદાર્થ મુક્ત ખનીજો શોધી કાઢે છે ? સામાન્ય રીતે આવાં ખનીજો રેતી, ખડક અથવા નદીનાં તળીયામાંથી મળી આવે છે. વૈજ્ઞાનિકો રેડિયોએક્ટીવ ખનીજો શોધવા માટે,  તેઓ રિમૉટ સેન્સીંગ સેટેલાઇટથી મેળવેલ ચિત્રો વાપરેછે. કેટલીકવાર આકાશમાંથી ચોક્કસ વિસ્તારની ગામા- રે સ્પેકટ્રોમેટ્રી સર્વે કરવામાં આવે છે. આ સર્વેમાં આવાં ખનીજોની હાજરી પકડી શકાય છે. વિવિધ વિગતો મેળવી ભુસ્તશાસ્ત્રી આવાં વિસ્તારનાં ‘જીઓલોજીકલ મેપ તૈયાર કરે છે. આ વિસ્તારમાં જઇ ખનીજની ટકાવારી જાણવા માટે વિવિધ ઉંડાઇ સુધી ડ્રીલીંગ કરી ‘‘સોઈલ સેમ્પલ’’ લેવામાં આવે છે. સોઇલ સેમ્પલ્સનું કેમિકલ એનાલીસીસ કરવાં પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. AMDની પ્રયોગશાળામાં યુરેનિયમ અને બીજા કિંમતી ખનીજોની હાજરી પકડવાનાં વિવિધ ટેસ્ટ કરવામાં આવે છે. યુરેનિયમ યુક્ત ખડકને ઓળખવા માટે સાદી રીત પણ ઉપયોગમાં લેવાય છે. અલ્ટ્રા- વાયોલેટ લેમ્પ સામે ખડક કે માટીનાં નમુનાં ધરવામાં આવે છે. જો આ નમુનામાં યુરેનિયમનાં ખનીજો હોય તો સેમ્પલ ચમકે છે. સેમ્પલમાં રહેલ ખનીજનાં જથ્થાને ભુસ્તશાસ્ત્રી ‘પોટેન્શીયલ' તરીકે ઓળખે છે. જો આવા સેમ્પલમાં ખનીજો આર્થિક રીતે પરવડે તેટલા પ્રમાણમાં હોય તો, UCIL દ્વારાં આ વિસ્તારમાંથી ખનીજો ખોદકામ દ્વારા કાઢવામાં આવે છે.

 ખનીજમાથી યુરેનિયમ યુક્ત પદાર્થ અલગ કરી નજીકની મિલમાં તેને યુરેનિયમની ‘‘યલો કેક’ ‘માં ફેરવવામાં આવે છે. આય લોક એક ત્યારબાદ હૈદરાબાદ ખાતે આવેલ ન્યુક્લિયર ફ્યૂઅલ કોમ્પલેક્ષમાં શુદ્ધિકરણ પ્રોસેસ માટે મોકલવામાં આવે છે. અહીં યુરેનિયમ ને પરમાણુ રિએક્ટર વાપરી શકાય તેટલા ગ્રેડની શુદ્ધતા વાળા બળતણના બંડલમાં ફેરવવામાં આવે છે. યુરેનિયમના બળતણ મંડલ ત્યાર બાદ ભારતના વિવિધ પરમાણુ રિએક્ટરમાં  ફ્યુઅલ તરીકે મોકલવામાં આવે છે.પરમાણુ રિએક્ટર આપ્યું નો ઉપયોગ કરી  વિદ્યુત ઊર્જા પેદા કરે છે.  યુરેનિયમ ને સંવર્ધિત કરી લશ્કરી હેતુ માટે પણ કામમાં લેવામાં આવે છે.  હાલમાં ઝારખંડ માં આવેલ  સીન્ગ્ભુમ  જિલ્લાના જદુગુડા માંથી જ  નાભિકીય વિદ્યુત ઉર્જા મેળવવા માટે,  પ્રતિવર્ષ ૨૧૦ ટન  યલો કેકનું ઉત્પાદન કરવામાં આવે છે. આ વિસ્તાર માં મળી આવતા ખનીજ યુક્ત ખડકોમાં યુરેનિયમનું  પોટેન્શિયલ ૦.૦૬૫ %  જેટલું જ છે.  મેઘાલયના સંભવિત ક્ષેત્રનું પોટેન્શિયલ ૦.૧૦% અને  આંધ્રપ્રદેશનું પોટેન્શિયલ ૦.૦૩% છે. જ્યારે લાંબાપુરના  વિસ્તારમાંથી ૦.૧૦ %ના  હિસાબે યુરેનિયમ અલગ તારવી શકાય તેમ છે. સરખામણી કરવી હોય તો,  કેનેડા માંથી મળતા ખનીજોમા યુરેનિયમનું પ્રમાણ ૨૧ ટકા જેટલું ઊંચું હોય છે. 

ભારતની પ્રાચીન યુરેનિયમ ખાણ જાદુગુડામાં આવેલી છે. જેની શરૂઆત 1967માં થઇ હતી. યુરેનિયમની માંગને પહોંચી વળવા માટે નરવાપાહરની મોલમાં ઉત્પાદન 30% જેટલું વધારવામાં આવ્યું છે. અહીંથી દરરોજ 1500 ટન જેટલો યુરેનિયમયુક્ત કાચું ખનીજ મેળવવામાં આવે છે. તુરામદીદ ખાતે આવેલ ખાણને ફરીવાર 2002થી ખોલવામાં આવી છે. અહીંથી રોજની 350 ટન કાચાં યુરેનીયમનાં ખનીજ ખોદવામાં આવે છે. એજ રીતે જાદુગુડાથી 30 કી.મી. દૂર આવેલ બાગજટાની ખાણ 23 જાન્યુ. 2004 ફરીવાર કાર્યરત કરવામાં આવી છે. ખાણને 60 મીટરની ઉંડાઇએ લઇ જઇ તેનો વિસ્તાર વધારવા પ્રયત્ન થઇ રહ્યા છે. આ ખાણને 600 મીટર સુધી લઇ જવાનાં પ્રોજેક્ટ પાછળ 97 કરોડ વાપરવામાં આવશે. ભારતને આર્થિક રીતે સદ્ધર કરી, વિજ્ઞાન અને ટેકનોલોજીનાં સહયોગથી પ્રગતીનાં પંથે લઈ જવાનું મહાન સ્વ. પંડિત જવાહરલાલ નહેરૂએ જોયું હતું. આજે એક મહાન વૈજ્ઞાનિક ભારતનાં રાષ્ટ્રપતિ છે.  ત્યારે આ સ્વપ્ર પરીપૂર્ણ થવાની આશાઓ વધી જાય છે. ડૉ. કલામનાં વૈજ્ઞાનિક અભિગમને વળગી ભારતનાં દરેક નાગરીકે હિન્દુસ્તાનની વિકાસયાત્રામાં સહભાગી બનવું જોઈએ. જો માનવી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચારતો થશે તો, UCILને જે સમસ્યાઓ નડે છે. તે દુર થશે. ભારતની ભુમી સ્વયંમ ‘‘યુરેનિયમ ક્રાયસીસ''ને દૂર કરવા સમર્થ છે.  

(૧૬ જાન્યુઆરી ૨૦૦૬ના રોજ,  ગુ.સમાચારની  સાયન્સ@ નોલેજ.કોમમાં પ્રકાશિત થયેલ “ કવર સ્ટોરી)

2 comments: